વિકાસના દાવા સામે ડોળાસાના ખેડૂતોનો આક્રોશ: અઢી વર્ષથી સર્વિસ રોડ વિના જીવના જોખમે અવરજવર, મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં ઉકેલ નહીં

SHARE:

કરોડોના બાયપાસે વાહનોને ઝડપ આપી, પરંતુ ખેડૂતોને આપી જીવના જોખમની સજા  હવે ગ્રામજનોનો એકજ  સવાલ, શું દુર્ઘટના પછી જ જાગશે તંત્ર?

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામની બાજુમાંથી પસાર થતા નવા બાયપાસ રોડને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો આ માર્ગ વિકાસની ગાથા ગાય છે, પરંતુ આ જ માર્ગ આજે ડોળાસાના ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સ્થાનિક રહીશો માટે ભય, અસુરક્ષા અને મુશ્કેલીઓનું પ્રતીક બની ગયો છે. કારણ એક જ છે—બાયપાસ સાથે બનવો જરૂરી સર્વિસ રોડ હજુ સુધી તૈયાર થયો નથી.

દરરોજ સવારથી સાંજ સુધી ડોળાસાના ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચવા માટે જીવના જોખમે હાઈવે પાર કરવા મજબૂર બને છે. ટ્રેક્ટર, બળદગાડા, કૃષિ યંત્રો અને પાકથી ભરેલા વાહનો સાથે ઝડપભેર દોડતા ભારે વાહનોની વચ્ચે રસ્તો ઓળંગવો એ હવે તેમની રોજિંદી મજબૂરી બની ગઈ છે. દરેક વખતની અવરજવર સાથે મનમાં એક જ ભય રહે છે—ક્યાંક આજે કોઈ અકસ્માત ન સર્જાય.

ગામના લોકો કહે છે કે વિકાસનો અર્થ માત્ર સિમેન્ટ અને ડામરનો રસ્તો નથી. વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાકાર બને જ્યારે સામાન્ય નાગરિક સુરક્ષિત રીતે તેનો ઉપયોગ કરી શકે. જો ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટે જીવના જોખમે રસ્તો ઓળંગવો પડે, તો આવા વિકાસને પ્રગતિ નહીં પરંતુ આયોજનની ગંભીર ખામી કહેવાય.

આ પ્રશ્ન કોઈ એક દિવસનો નથી. છેલ્લા ઘણા વર્ષોથી ડોળાસાના ખેડૂતો અને ગ્રામજનોએ અનેક વખત સંબંધિત વિભાગોને લેખિત રજૂઆતો કરી છે. અધિકારીઓના દરવાજા ખખડાવ્યા છે, અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. રાજ્ય સરકારના ‘સ્વાગતમ્’ કાર્યક્રમ મારફતે મુખ્યમંત્રી સમક્ષ પણ આ ગંભીર પ્રશ્ન પહોંચાડવામાં આવ્યો હતો. છતાં આજદિન સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે, જ્યારે જમીન પર કોઈ અસરકારક કામગીરી જોવા મળી નથી.

સ્થાનિક ખેડૂતોનો સીધો સવાલ છે કે જ્યારે બાયપાસના પ્રોજેક્ટમાં સર્વિસ રોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે તેનું કામ અધૂરું કેમ રાખવામાં આવ્યું? શું ખેડૂતોનું જીવન એટલું સસ્તું છે કે તેમની સુરક્ષા વર્ષોથી ફાઈલોમાં દટાઈ રહે? શું જવાબદાર વિભાગો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે?

ગામના વડીલો જણાવે છે કે અગાઉ ગામના રસ્તાઓથી સરળતાથી ખેતરોમાં પહોંચી શકાતું હતું, પરંતુ બાયપાસ બન્યા પછી પરિસ્થિતિ વધુ જોખમી બની ગઈ છે. આજે બાળકો શાળાએ જાય, મહિલાઓ બહાર નીકળે કે ખેડૂતો ખેતીના કામે જાય—દરેક માટે રસ્તો ઓળંગવો એક પડકાર બની ગયો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસના મોટા મોટા દાવાઓ અને જાહેરાતો ત્યારે નિરર્થક લાગે છે, જ્યારે પાયાની જરૂરિયાતો જ અધૂરી રહી જાય. કરોડો રૂપિયાના ખર્ચે માર્ગ તૈયાર થાય, પરંતુ સર્વિસ રોડ જેવી મૂળભૂત સુવિધા ન બને, તો પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. વિકાસના નામે જો લોકોની મુશ્કેલીઓ વધે, તો તે વિકાસ નહીં પરંતુ વહીવટી બેદરકારીનું જીવંત ઉદાહરણ બની જાય છે.

ડોળાસાના ખેડૂતો હવે સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે તેઓ માત્ર વચનો નહીં, પરંતુ કામ જોવા માંગે છે. વર્ષોથી રજૂઆતો કર્યા બાદ પણ ઉકેલ ન મળતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે હવે વધુ રાહ જોવી શક્ય નથી. તાત્કાલિક સર્વિસ રોડનું નિર્માણ શરૂ કરી પૂર્ણ કરવામાં આવે, જેથી ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ગામના તમામ લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.

આ સમગ્ર મામલો હવે માત્ર એક ગામનો પ્રશ્ન રહ્યો નથી. આ પ્રશ્ન એ છે કે શું વિકાસની યોજનાઓમાં ગામડાંના લોકોની સુરક્ષા અને જરૂરિયાતોને પૂરતું સ્થાન મળે છે? શું વહીવટી તંત્ર લોકોના જીવનને પ્રથમ પ્રાથમિકતા આપશે કે પછી કોઈ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત બાદ જ કાર્યવાહી થશે?

ડોળાસાના ખેડૂતો અને ગ્રામજનો આજે જવાબની રાહ જોઈ રહ્યા છે. તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ અધૂરા વિકાસના વિરોધી છે. તેમની માંગ પણ કોઈ અસંભવ નથીમાત્ર એટલી કે જે સર્વિસ રોડનું વચન આપવામાં આવ્યું હતું, તે હવે હકીકતમાં પૂર્ણ કરવામાં આવે.

આખરે ડોળાસાના લોકોનો એક જ સવાલ સમગ્ર તંત્ર સમક્ષ ગુંજી રહ્યો છે વિકાસના માર્ગે દોડતું શાસન શું ગામડાંના લોકોની પીડા સાંભળશે, કે પછી કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જ તંત્રની ઊંઘ તૂટશે?

Share Here:
6
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વાંચો

Horoscope

Weather

વધુ વાંચો

राज्य

शहर चुनें