EPS-95 પેન્શનર્સનો સરકાર સામે આક્રોશ કલેક્ટરને આવેદનપત્ર, 15 ઓગસ્ટ બાદ આત્મવિલોપન અને ‘જેલ ભરો’ આંદોલનની ચીમકી

SHARE:

દેશભરના EPS-95 પેન્શનર્સ છેલ્લા 11 વર્ષથી પોતાની વાજબી માંગણીઓને લઈને શાંતિપૂર્ણ અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. લઘુત્તમ માસિક પેન્શન ₹7,500 સાથે મોંઘવારી ભથ્થું (ડી.એ.) આપવાની મુખ્ય માંગ છતાં અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સ્પષ્ટ અને સકારાત્મક નિર્ણય જાહેર ન થતા હવે વડીલ પેન્શનધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ જ મુદ્દે ભાવનગર જિલ્લા EPS-95 પેન્શનર્સ સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી વડીલોની વેદના પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંઘે ચેતવણી આપી છે કે જો 15 ઓગસ્ટ પછી પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો દેશવ્યાપી સ્તરે આત્મવિલોપન અને “જેલ ભરો” જેવા ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

ભાવનગર જિલ્લા EPS-95 પેન્શનર્સ સંઘના પ્રમુખ ખીમજીભાઈ યાદવે જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી દેશના લાખો વડીલો પોતાના અધિકાર માટે સતત લડી રહ્યા છે. જીવનભર ઉદ્યોગો અને સંસ્થાઓમાં સેવા આપનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતી પેન્શન આજે જીવનનિર્વાહ માટે પૂરતી નથી. મોંઘવારી સતત વધી રહી છે ત્યારે હાલ મળતી પેન્શનથી દવા, સારવાર અને દૈનિક ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ બની ગયો છે.

તેમણે જણાવ્યું કે સરકાર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, લોકસભા સાંસદો, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તેમજ કેન્દ્રીય નાણામંત્રીને આવેદનપત્રો અને ઈ-મેઈલ મારફતે રજૂઆતો મોકલવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે અને કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી.

સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સ્તરે આંદોલનના કમાન્ડર અશોક રાઉત અત્યાર સુધીમાં ૩૪૮થી વધુ સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને મળી ચૂક્યા છે. દરેક જગ્યાએ પેન્શનર્સની માંગ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી માત્ર “વિચારણા ચાલી રહી છે” અથવા “કામ પ્રગતિમાં છે” જેવા જવાબો જ મળ્યા હોવાનું તેઓએ જણાવ્યું.

સંઘે એવો પણ દાવો કર્યો છે કે માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ પ્રાપ્ત થયેલા આંકડા મુજબ EPS-95 પેન્શન ફંડમાં પૂરતા પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ છે. તેમ છતાં લઘુત્તમ પેન્શન વધારવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવતો નથી, જેના કારણે પેન્શનર્સમાં નિરાશા વધી રહી છે.

ખીમજીભાઈ યાદવે જણાવ્યું હતું કે હવે આંદોલન નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. જો આગામી સમયમાં સરકાર તરફથી કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો 15 ઓગસ્ટ બાદ આત્મવિલોપન અને “જેલ ભરો” આંદોલન જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં આત્મવિલોપન માટે 1,500થી વધુ વડીલોના નામ નોંધાઈ ચૂક્યા છે, જેમાં ટૂંક સમયમાં ભાવનગર જિલ્લાના પેન્શનર્સના નામ પણ ઉમેરવામાં આવશે.

સંઘના પ્રમુખે ખાસ કરીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને ભાવનાત્મક અપીલ કરતાં જણાવ્યું કે, “તમે ગુજરાતના છો. આ વડીલોની પીડાને સમજો અને આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવો. વૃદ્ધોને પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરવાની ફરજ ન પડે તે માટે સરકાર તાત્કાલિક નિર્ણય લે અને જે રકમ આપવા સક્ષમ હોય તેની સત્તાવાર જાહેરાત કરે.”

પેન્શનર્સનું કહેવું છે કે દેશના વિકાસમાં વર્ષો સુધી યોગદાન આપનારા વડીલો આજે પોતાના જીવનના અંતિમ પડાવે પણ પોતાના અધિકાર માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ દેશ માટે ગૌરવની નહીં પરંતુ ચિંતાની બાબત હોવાનું સંઘના આગેવાનોનું માનવું છે.

હાલ સરકાર તરફથી આ મુદ્દે કોઈ નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે EPS-95 પેન્શનર્સ સંઘે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે અને તેનો વ્યાપ સમગ્ર દેશમાં વિસ્તરશે.

દેશભરના લાખો EPS-95 પેન્શનર્સની નજર હવે કેન્દ્ર સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે. સરકાર આ માંગણીઓ પર શું વલણ અપનાવે છે અને વડીલોના પ્રશ્નનો કેવી રીતે ઉકેલ લાવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

 

Share Here:
6
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વાંચો

Horoscope

Weather

વધુ વાંચો

राज्य

शहर चुनें