સોડવ અને બરડા બંધારાઓમાં લાખો યાયાવર પક્ષીઓનો કલરવ, ૪૦થી વધુ પ્રજાતિઓના આગમનથી પક્ષીપ્રેમીઓમાં આનંદની લહેર
ગીર સોમનાથ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે જ કુદરતે જાણે પોતાનું અનોખું સૌંદર્ય પાથર્યું છે. દૂર દેશાવરથી હજારો કિલોમીટરનું અંતર કાપીને લાખોની સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ ગીર સોમનાથના દરિયાકાંઠા અને જળપ્લાવિત વિસ્તારોમાં આવી પહોંચ્યાં છે. ખાસ કરીને સોડવ અને બરડા બંધારા હાલ વિદેશી પક્ષીઓના મનમોહક કલરવથી ગુંજી ઊઠ્યા છે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સાઇબેરિયા, મધ્ય યુરોપ, મંગોલિયા સહિતના ઠંડા પ્રદેશોમાંથી વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથની ધરતી પર ઊતરી રહ્યાં છે. અત્યાર સુધીમાં અંદાજે ૩૫થી ૪૦ જેટલી પ્રજાતિનાં પક્ષીઓનું આગમન નોંધાયું છે. જ્યારે સામાન્ય રીતે દર વર્ષે અંદાજે ૬૫ જેટલી પ્રજાતિનાં યાયાવર પક્ષીઓ અહીં મહેમાન બનીને આવે છે. આગામી દિવસોમાં પક્ષીઓની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના છે.
સોડવ બંધારા પર તો જાણે વિદેશી પક્ષીઓનો મેળો જામ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. હજારોની સંખ્યામાં ઊતરી આવેલા પક્ષીઓનો કલરવ અને આકાશમાં ઊડતાં પક્ષીઓનાં ટોળાં કુદરતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. પેલીકન, ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રેન, શોવેલર સહિતની વિવિધ પ્રજાતિઓ અહીંની જળસૃષ્ટિની સુંદરતામાં વધારો કરી રહી છે.
વિદેશી પક્ષીઓના આગમન પાછળ અહીંની કુદરતી પરિસ્થિતિ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ગીર વિસ્તારમાં થયેલા ઓછા વરસાદને કારણે વેટલેન્ડ વિસ્તારોમાં પાણી છીછરાં રહ્યાં છે. આવા છીછરા જળાશયો પક્ષીઓ માટે અનુકૂળ રહેઠાણ અને ખોરાક મેળવવાનું ઉત્તમ સ્થળ બની રહ્યાં છે. ખાસ કરીને પેલીકન અને ફ્લેમિંગો છીછરા પાણીમાં નાની માછલીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે છે.બીજી તરફ, કુંજ સહિતનાં પક્ષીઓ ગુજરાતમાં મગફળીના પાકની લણણીની મોસમ દરમિયાન ખોરાકની શોધમાં અહીંનાં વિસ્તારોમાં જોવા મળે છે. આ યાયાવર પક્ષીઓ દર વર્ષે અંદાજે ચાર મહિના સુધી અહીં રોકાણ કરીને શિયાળાની ઋતુ પસાર કરે છે અને ત્યારબાદ પોતાના વતન તરફ પ્રયાણ કરે છે.
ગીર સોમનાથ જિલ્લો માત્ર સિંહો અને દરિયાકિનારાની ઓળખ ધરાવતો વિસ્તાર નથી, પરંતુ યાયાવર પક્ષીઓ માટે પણ મહત્ત્વનું આશ્રયસ્થાન બની રહ્યો છે. જિલ્લાના વિવિધ તળાવો, બંધારાઓ, વેટલેન્ડ વિસ્તારો અને દરિયાકિનારા પર દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. આ કુદરતી સંપદા ગીર સોમનાથને પક્ષી નિરીક્ષણ અને પ્રકૃતિ પ્રવાસન માટે વિશેષ ઓળખ અપાવી શકે તેમ છે.
પક્ષીપ્રેમીઓનું કહેવું છે કે ગીર સોમનાથમાં સિંહદર્શન માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે, ત્યારે જો સોડવ અને બરડા સહિતના પક્ષીઓના મુખ્ય વસવાટ વિસ્તારોને યોગ્ય સુવિધાઓ સાથે વિકસાવવામાં આવે અને પક્ષી અભયારણ્ય અથવા સંરક્ષિત પક્ષી વિસ્તાર તરીકે વિકસાવવાની દિશામાં આયોજન કરવામાં આવે, તો પ્રવાસનનું એક નવું આકર્ષણ ઊભું થઈ શકે છે.
સાથે જ આ વિસ્તારોમાં પક્ષીઓના કુદરતી રહેઠાણનું સંરક્ષણ, ગેરકાયદે શિકાર પર નિયંત્રણ, સ્વચ્છતા અને જળસ્રોતોની જાળવણી થાય તે પણ અત્યંત જરૂરી છે. જેથી દર વર્ષે વિદેશથી આવતા આ અણમોલ મહેમાનોને સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ મળી રહે.
એક તરફ ગીરની ધરતી પર એશિયાઈ સિંહોની ગર્જના સંભળાય છે, તો બીજી તરફ શિયાળાની ઋતુમાં વિદેશી પંખીઓનો કલરવ ગુંજી ઊઠે છે. કુદરતની આ અદ્ભુત ભેટને સાચવીને ગીર સોમનાથને સિંહદર્શનની સાથે પક્ષીદર્શનના વૈશ્વિક નકશા પર સ્થાન અપાવવાની દિશામાં સરકાર અને વનવિભાગ દ્વારા આયોજન કરવામાં આવે તેવી પક્ષીપ્રેમીઓની પ્રબળ માંગ ઊઠી છે.






