સોમનાથમાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો મહાસંગમ! ૨૦થી ૨૪ નવેમ્બર સુધી યોજાશે ભવ્ય કાર્તિક પૂર્ણિમા મેળો

SHARE:

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાનસોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આગામી ૨૦ નવેમ્બરથી ૨૪ નવેમ્બર સુધી બાયપાસ માર્ગ પર આવેલા સદભાવના મેદાન ખાતે ગુજરાતનો સુપ્રસિદ્ધ પાંચ દિવસીય કાર્તિક પૂર્ણિમા મેળો યોજાશે. ગીર-સોમનાથ જિલ્લાના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોમાં વિશેષ સ્થાન ધરાવતા આ મેળાને લઈને તડામાર તૈયારીઓનો પ્રારંભ થયો છે. પૌરાણિક માન્યતાઓ સાથે જોડાયેલા કાર્તિક પૂર્ણિમા પર્વની પરંપરાને જાળવી રાખવાના હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૧૯૫૫થી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળામાં ખાનપાન, રમકડાં, મનોરંજનની મંજૂર રાઇડ્સ, હસ્તકલા, ગૃહઉદ્યોગ અને વિવિધ પ્રદર્શનો સહિત અંદાજે ૧૫૦થી ૨૦૦ સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ સોમનાથના ઐતિહાસિક ફોટાઓનું પ્રદર્શન, સેલ્ફી પોઇન્ટ અને જેલના બંદીજનો દ્વારા તૈયાર કરવામાં આવતા ભજીયાં પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચશે.

મેળા દરમિયાન દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા અને સંગીતના કાર્યક્રમો યોજાશે, જ્યારે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ રાત્રે ૧૨ વાગ્યે સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાપૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. આ પાવન અવસરે સોમનાથ મંદિર અને મેળા વિસ્તારને રંગબેરંગી વિદ્યુત રોશનીથી શણગારવામાં આવશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બનશે. મુલાકાતીઓની સલામતી માટે સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત, વૈકલ્પિક વીજળી વ્યવસ્થા, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, તબીબી ટીમ અને અગ્નિશમન દળની વ્યવસ્થા કરવામાં આવશે. આમ, ભગવાન સોમનાથના દર્શન સાથે ભક્તિ, લોકસંસ્કૃતિ, મનોરંજન અને ખરીદીનો અનોખો અનુભવ કરાવતો આ પાંચ દિવસીય મેળો સોમનાથની પવિત્ર ધરા પર ઉત્સવનો માહોલ સર્જશે. હર હર મહાદેવના નાદ સાથે કાર્તિક પૂર્ણિમાનો આ મહોત્સવ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે.

Share Here:
સૌથી વધુ વાંચો

Horoscope

Weather

વધુ વાંચો

राज्य

शहर चुनें