ધોરણ ૧૦-૧૨, નેટ અને એમબીબીએસના તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન
ડૉ. વ્રજકુમાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ભુવાટીંબી ગામે ડૉ. વ્રજકુમાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે નવા નિર્માણ પામેલા ગેટના અર્પણ સમારોહ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવંગત ડૉ. વ્રજકુમારની છ માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભુવાટીંબી ગામના રહેવાસી અને પીખોર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ પરમારના પુત્ર ડૉ. વ્રજકુમાર પાલનપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. કમનસીબે વાહન અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. તેમની સ્મૃતિને કાયમી રાખવા તેમજ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને આગળ વધારવાના હેતુથી તેમના પરિવારજનો દ્વારા ડૉ. વ્રજકુમાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.
પરિવાર દ્વારા ડૉ. વ્રજકુમારની સ્મૃતિમાં ભુવાટીંબી ગામમાં તેમના નામનો નવો ગેટ બનાવવામાં આવ્યો છે. ગોંડલ તાલુકાના બાંદ્રા ખાતે આવેલી ઉગારામ બાપાની જગ્યાના ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત ગોરધનબાપાના હસ્તે ગેટની તકતીનું અનાવરણ કરી નવા ગેટનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત ગોરધનબાપાએ પરિવારજનોને આશીર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કીટ, ચોપડા તથા જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ એમબીબીએસ, નેટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શિક્ષણ, તબીબી સેવા, પત્રકારત્વ, સાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર ડોક્ટરો, પત્રકારો, સાહિત્યકારો, શ્રેષ્ઠ શિક્ષકો તેમજ અન્ય ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ ગૌરવવંતા પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા, સામાજિક આગેવાન અરજનભાઈ ભજગોતર, વણકર સમાજ ટ્રસ્ટના પ્રમુખ પરશોત્તમભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી બોરીચા, તબીબો, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન દિવંગત ડૉ. વ્રજકુમારના પિતા જગદીશભાઈ પરમાર તથા પરિવારજનોએ મહંત ગોરધનબાપાના આશીર્વાદ મેળવી ભાવવિભોર બની ધન્યતા અનુભવી હતી.
ડૉ. વ્રજકુમાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવંગત ડૉ. વ્રજકુમારની સ્મૃતિને જીવંત રાખવા અને સમાજ ઉપયોગી કાર્યોને સતત આગળ ધપાવવામાં આવી રહ્યા છે. પરિવારજનો દ્વારા તેમની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરી દિવંગત ડૉ. વ્રજકુમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.







