શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં ભક્તિનો વિરાટ મહાસાગર, સવારે ૪ વાગ્યે ખુલ્યા મહાદેવના દ્વાર; હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પ્રથમ જ્યોતિર્લિંગનું પવિત્ર ધાપવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને ભગવાન શિવની આરાધનાનો પાવન દિવસ, અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક ધામમાં વહેલી સવારથી જ ભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવના દર્શન માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારે જ શરૂ થઈ ગયો હતો. સવારે ૩ વાગ્યાથી મંદિર પરિસરમાં ભક્તોના પ્રવેશની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક સામાનઘર અને જૂતાઘરની વ્યવસ્થા પણ કાર્યરત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોવા છતાં ઝીગઝેગ કતાર વ્યવસ્થા, ઝોન પ્રમાણે યાત્રીઓનું વર્ગીકરણ અને સુવ્યવસ્થિત પ્રવેશ વ્યવસ્થાના કારણે સમગ્ર યાત્રા વ્યવસ્થા શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે આગળ વધતી રહી હતી. સોમનાથ મહાદેવના દર્શનના દ્વાર ખૂલવાની આતુરતામાં મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓ દ્વારા શિવધૂન કરવામાં આવી હતી અને ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ તથા ‘જય સોમનાથ મહાદેવ’ના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની આતુરતાનો અંત આવ્યો અને સવારે ૪ વાગ્યે સોમનાથ મહાદેવના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા. દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સોમનાથ મહાદેવના દિગંબર સ્વરૂપના પ્રાકૃતિક દર્શન કર્યા અને મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શનથી ભક્તોના હૃદયમાં અનંત શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો. કોઈ ભક્તે આંખો બંધ કરીને પ્રાર્થના કરી, કોઈએ હાથ જોડીને પરિવાર અને સમાજના સુખ-સમૃદ્ધિ માટે મહાદેવને પ્રાર્થના કરી, તો કોઈના હોઠ પર ‘ૐ નમઃ શિવાય’નો જાપ હતો. સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ આસ્થા, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને ભારતના ગૌરવશાળી ઇતિહાસનું જીવંત પ્રતીક છે. ગુજરાતના પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવને ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશેષ સ્થાન પ્રાપ્ત છે. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીન સમયથી જ પવિત્ર તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ રહ્યું છે અને સોમનાથની પવિત્ર ભૂમિ સાથે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જોડાયેલી છે. સોમનાથમાં દર્શન કરવા આવતા ભક્તો માટે આ માત્ર યાત્રા નથી, પરંતુ પોતાની શ્રદ્ધા અને મહાદેવ પ્રત્યેની ભક્તિને અનુભવાની એક આધ્યાત્મિક યાત્રા છે. વહેલી સવારના શાંત વાતાવરણમાં મંદિર પરિસરમાં ગુંજતી શિવધૂન, મહાદેવના દર્શનની આતુરતામાં ઊભેલા શ્રદ્ધાળુઓ અને ત્યારબાદ ખુલતા મંદિરના દ્વાર આ સમગ્ર દૃશ્ય સોમનાથના આધ્યાત્મિક વૈભવને વધુ ગાઢ બનાવી રહ્યું હતું.
સોમનાથની ગાથા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ તેની સાથે ભારતના ઇતિહાસ, સાંસ્કૃતિક અસ્મિતા અને અવિરત પુનર્જાગરણની એક વિરાટ ગાથા જોડાયેલી છે. ઈતિહાસમાં ૧૦૨૬માં મહમૂદ ગઝની દ્વારા સોમનાથ પર થયેલું આક્રમણ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના તરીકે નોંધાયેલું છે અને વર્ષ ૨૦૨૬માં આ ઘટનાને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક સંદર્ભમાં સોમનાથ ખાતે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી સોમનાથની એક હજાર વર્ષની અવિરત આસ્થા, સાંસ્કૃતિક ગૌરવ, સંકલ્પ અને પુનર્જાગરણની ગાથાને સ્મરણ કરવામાં આવી. એક હજાર વર્ષનો આ સમયગાળો માત્ર સમયની ગણતરી નથી, પરંતુ સદીઓ દરમિયાન સોમનાથ સામે આવેલા અનેક પડકારો છતાં અડીખમ રહેલી શ્રદ્ધાની સાક્ષી છે. સોમનાથ પર આક્રમણો થયા, મંદિરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા, સમય અને સત્તાઓ બદલાતી રહી, પરંતુ સોમનાથ પ્રત્યેની ભક્તિ અને આસ્થાની જ્યોત ક્યારેય બુઝાઈ નહીં. સોમનાથની સૌથી મોટી ઓળખ વિનાશ નહીં, પરંતુ પુનઃનિર્માણ અને પુનઃઉત્થાન છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પણ સોમનાથના પુનઃનિર્માણને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું અને સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ બાદ મંદિરના પુનઃનિર્માણનો માર્ગ પ્રશસ્ત થયો. વર્ષ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી અને આ સાથે સ્વતંત્ર ભારતના નવા યુગમાં સોમનાથની ગાથાને નવી દિશા મળી. વર્ષ ૨૦૨૬માં આ પુનઃપ્રતિષ્ઠાને પણ ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. એટલે ૨૦૨૬નું વર્ષ સોમનાથના ઇતિહાસમાં બે મહત્વપૂર્ણ સ્મૃતિઓને એકસાથે જોડે છે—૧૦૨૬ની ઐતિહાસિક ઘટનાને ૧૦૦૦ વર્ષ અને ૧૯૫૧ની પુનઃપ્રતિષ્ઠાને ૭૫ વર્ષ. આ જ કારણોસર સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ભૂતકાળને યાદ કરવાનો પ્રસંગ નહીં, પરંતુ સોમનાથની અવિરત સાંસ્કૃતિક પરંપરા અને પુનર્જાગરણની ભાવનાને ઉજાગર કરતો મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો છે. આજે અરબી સમુદ્રના કિનારે સોમનાથનું ભવ્ય શિખર અડીખમ ઊભું છે અને તેની ધજા જાણે સદીઓથી ચાલતી આવતી શ્રદ્ધાની સાક્ષી બનીને આકાશમાં ફરકી રહી છે. સમુદ્રની લહેરો સતત આવે છે અને પાછી જાય છે, સમય સતત આગળ વધે છે, પેઢીઓ બદલાય છે, પરંતુ સોમનાથની આસ્થા અવિરત રહે છે. શ્રાવણના ત્રીજા સોમવારે વહેલી સવારે સોમનાથમાં જોવા મળેલો ભક્તિપ્રવાહ એ જ અવિનાશી પરંપરાનું જીવંત પ્રતિબિંબ હતો. સવારે ૩ વાગ્યાથી શરૂ થયેલો ભક્તોનો પ્રવેશ, નિઃશુલ્ક સામાનઘર અને જૂતાઘરની વ્યવસ્થા, ઝીગઝેગ કતારો, ઝોન પ્રમાણે યાત્રીઓનું વર્ગીકરણ, મંદિર પરિસરમાં ગુંજતી શિવધૂન અને સવારે ૪ વાગ્યે ખુલેલા મહાદેવના દ્વાર—આ સમગ્ર માહોલે સોમનાથને ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાના વિરાટ કેન્દ્ર તરીકે અનુભવી શકાય તેવો બનાવી દીધો હતો. મહાદેવના દિગંબર સ્વરૂપના પ્રાકૃતિક દર્શન બાદ ભક્તોના ચહેરા પર દેખાતી પ્રસન્નતા અને આંખોમાં દેખાતી શ્રદ્ધા જાણે કહી રહી હતી કે સોમનાથની યાત્રા માત્ર મંદિર સુધી પહોંચવાની યાત્રા નથી, પરંતુ પોતાના અંતર સુધી પહોંચવાની આધ્યાત્મિક યાત્રા છે. સોમનાથની ધરતી આપણને એક એવો સંદેશ આપે છે કે સમય બદલાઈ શકે, પરિસ્થિતિઓ બદલાઈ શકે, પરંતુ સાચી આસ્થા અને સંસ્કૃતિની જ્યોત પેઢી દર પેઢી જીવંત રહી શકે છે. સોમનાથ એટલે પ્રથમ જ્યોતિર્લિંગ, સોમનાથ એટલે પ્રભાસની પવિત્ર ધરતી, સોમનાથ એટલે સદીઓના ઇતિહાસનું સાક્ષી, સોમનાથ એટલે અવિરત ભક્તિનું કેન્દ્ર અને સોમનાથ એટલે સ્વાભિમાન, સંકલ્પ અને પુનર્જાગરણની જીવંત ગાથા. શ્રાવણના આ પવિત્ર ત્રીજા સોમવારે હજારો ભક્તોના કંઠે ગુંજેલો ‘હર હર મહાદેવ’નો નાદ જાણે અરબી સમુદ્રની લહેરો સાથે સમગ્ર આકાશમાં પ્રસરી ગયો અને સોમનાથ મહાદેવની અવિનાશી મહિમાને ફરી એકવાર ઉજાગર કરી ગયો. જય સોમનાથ મહાદેવ… હર હર મહાદેવ!
અહેવાલ:- મહેશ વાજા (પ્રભાસપાટણ)







